સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ

 ટીવી સિરિયલ્સમાં તો તમે સાસુમાના જલવા જોયા જ હશે, પરંતુ રિયલ લાઇફમાં પણ તેમના આવા જ જલવા બરકરાર રહે છે. ભારતીય પરિવારોમાં સાસુમાની ભૂમિકા બહુ અગત્યની હોય છે. એવામાં તેમને ખુશ કરવા એક વહુ માટે ખૂબ જરૂરી છે. ઘરમાં સાસુની સાથે સુમેળ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે પરિવારનો આધારસ્તંભ હોય છે અને તેમની સાથે સારા સંબંધ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બનાવી રાખે છે, તો ચાલો જાણીએ સાસુમાને ખુશ કરવાની અમુક ટિપ્સ…

ગિફ્ટ આપો

મહિલાઓ કોઈ પણ ઉંમરની હોય, ગિફ્ટ બધાને ગમતી હોય છે. એટલે તમારી સાસુમાને પ્રસંગોપાત ગિફ્ટ આપતા રહો, જેથી તેમને પોતીકી લાગણી અનુભવાતી રહે.

તેમના પરિવાર સાથે વાત કરો

દરેક સાસુને એવી વહુ પસંદ આવતી હોય છે જે તેમના પિયરવાળાને સન્માન આપે અને તેમની સાથે સમયે-સમયે વાત કરતી રહે. બની શકે કે તમને એવું કરવું પસંદ ન હોય, પરંતુ તમે એવું કરો. થોડા દિવસોમાં તમને પણ સારું લાગશે અને તેમની સાથે તમારા સંબંધ મધુર બની રહેશે.

તેમની મિત્રો સાથે સારો વ્યવહાર કરો

તમે તમારી સાસુમાની સખીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાયમ તેમની સાથે વાતચીત કરતાં રહો. સોશિયલ રહો અને તેમની આગતા-સ્વાગતા કરતાં રહો.

સમય આપો

તમારી સાસુમાથી દૂર ન ભાગો. તેમને સમય આપો અને તેમની સાથે વાતચીત કરો. તેનાથી તેમને એવું નહીં લાગે કે તમે પોતાનામાં જ વ્યસ્ત રહો છો. આવું કરવાથી તેમની અંદર સુરક્ષાની ભાવના પણ ઉત્પન્ન થશે.

સારી રસોઈ બનાવો

પુરુષોનો જ નહીં, પરંતુ સાસુઓનાં દિલનો રસ્તો પણ પેટ પાસે થઈને જાય છે. તમે તમારી સાસુમાને પૂછીને તેમની પસંદની રસોઈ બનાવો. તેનાથી તેમને સ્વાદની સાથે-સાથે તમારા ગુણો વિશે પણ જાણ થશે.

તુલના કરવાથી બચો

તમારી સાસુની તમારાં મમ્મી, બા, નાની અથવા અન્ય કોઈ મહિલા સાથે સરખામણી ન કરો. મહિલાઓને તેમની સરખામણી કરવી પસંદ નથી હોતી. જો તમે આવું કરતા હોવ તો અત્યારે જ સાવધાન થઈ જાવ. સાસુની સરખામણી તમારા બંનેના સંબંધો ઉપર નકારાત્મક અસર પાડશે.

તેમના દીકરાને પેમ્પર કરો

સાસુની સામે ક્યારેય તેમના દીકરા ઉપર પોતાનો અધિકાર ન જતાવો. તેમની સામે તેની સાથે પ્રેમ અને સન્માનથી વાત કરો. આવું કરવાથી તેમને લાગશે કે તેમનો દીકરો તેમનો જ છે.

તેમની ભાવનાઓની કદર કરો

જો તમને તમારાં સાસુમાની કોઈ આદત પસંદ નથી અને તેનો પ્રભાવ તમારા ઉપર નથી પડવાનો તો તે આદતને લઈને તેમની સાથે દલીલ ન કરો. તેમની ઉંમરને જોતાં તેમની ભાવનાઓની કદર કરો.

તેમને મહત્વ આપો

સાસુમાને કાયમ મહત્ત્વ આપો. તેમને શું પસંદ છે, તેઓ કેવા ફેરફાર ઇચ્છે છે અથવા આગળ કયા હિસાબે કામ કરવા ઇચ્છે છે એ બધું જ પૂછી લો અને તેને મહત્વ આપો.

સાભાર: દિવ્ય ભાસ્કર

તમારો અભિપ્રાય (Comments)