શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે.જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે
દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.
હોઠના રંગને ગુલાબી કે લાલ બનાવવા માટે લીંબૂના કેટલાક પ્રયોગ અજમાવો. લીંબૂના રસમાં પ્રાકૃતિક એસિડ હોય છે. જેથી સીધું હોઠ પર લીંબૂનો રસ લગાવવાથી તે હોઠને રૂક્ષ બનાવી દે છે જેથી તેમાં થોડું ગ્લિસરીન મિક્ષ કરીને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.
હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.
હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.
હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.
જો તમે ઠંડી સિવાય પણ તમારા હોઠ કોમળ અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દેશી ગુલાબની પલળેલી પાંદડીને થોડીકવાર સુધી તમારા હોઠ પર રાખવી ત્યારબાદ ધીરે-ધીરે હોઠ પર પાંદડી ઘસવી. આવું નિયમિતપણે કરવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે. સાથે જ એવું લાગશે કે તમે લિપ્સ્ટિક લગાવી છે. આ નુસખો તમે ક્યારેય પણ અપનાવી શકો છો. ઠંડીમાં પણ આ રીતે કરવાથી તમે તમારા હોઠને કોમળ અને મુલાયમ રાખી શકો છો.
રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.
જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.
હોઠને પોષણ મળે તે માટે તેના પર તાજું ક્રીમ અને લીંબુનો રસ મિક્ષ કરીને હળવા હાથે માલિશ કરતાં લગાવો. આ સિવાય ઓલિવ ઓઇલ અને વેસલિન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચારવાર ફાટેલા હોઠો પર લગાવી શકો છો. હોઠ સ્વસ્થ અને મુલાયમ બનશે.
ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે.
હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય તો હોઠ પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.
પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.
ઠંડીમાં હોઠ ફાટી જવા અને ચીરાં પડી જવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ દિવસમાં બે વાર હોઠ પર ગ્લિસરીન લગાવવાથી બહુ લાભ થાય છે. ગ્લિસરીન લગાવાથી હોઠને નમી મળે છે અને હોઠ ફાટતાં નથી.
કોઈપણ મોસમ હોય પરંતુ તેના પ્રભાવથી આપણા હોઠને નુકસાન ન થાય તે માટે તમારા શરીરમાં વિટામિન એ અને બી કોમ્પલેક્સની ઉણપ ન સર્જાવા દેવી. આ માટે તમારા દૈનિક ભોજનમાં લીલાં શાકભાજી, દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને જ્યૂસને સામેલ કરવું જોઈએ. જેથી શરીરમાં આ વિટામિનની કમીને દૂર કરી શકાય. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા હોઠને સદાય કોમળ અને ગુલાબી રાખી શકો છો.
સાભાર: દિવ્ય ભાસ્કર
તમારો અભિપ્રાય (Comments)